રવિવાર, 7 માર્ચ, 2021

Mahashivrati - મહા શિવરાત્રિ

          શિવરાત્રિ એટલે ભગવાન શંકરને સમર્પિત દિવસ. દર મહિનાની વદ ચૌદસ (અમાસ પહેલાનો દિવસ) શિવરાત્રિ કહેવાય છે, જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રિ તરીકે ઉજવે છે તે દિવસ મહા વદ ચૌદસ ખરેખર "મહા શિવરાત્રિ"નું પર્વ છે. શિવરાત્રિને દિવસે દ્વાપરયુગનો પ્રારંભ થયો હતો તેમ માનવામાં આવે છે અને વળી પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું હતું.

મહાશિવરાત્રિ વ્રત મહા માસની વદ પક્ષની ચૌદશના દિવસે કરવામાં આવે છે.

ચૌદશની તિથિના સ્વામી શિવ :-
જ્યોતિષશાસ્ત્ર અનુસાર પ્રતિપદા વગેરે સોળ તિથિઓના અગ્નિ વગેરે દેવતા સ્વામી હોય છે તેથી જે તિથિના જે દેવતા સ્વામી હોય છે, તે દેવતાનું એ તિથિમાં વ્રત અને પૂજન કરવાથી તે દેવતાની વિશેષ કૃપા ઉપાસકને પ્રાપ્ત થાય છે. ચૌદશની તિથિના સ્વામી શિવ છે અથવા શિવની તિથિ ચૌદશ છે તેથી આ તિથિની રાત્રિએ વ્રત કરવાના કારણે આ વ્રતનું નામ ‘શિવરાત્રિ’ હોવું એ એટલું જ ઉચિત છે. એટલા માટે દરેક માસની વદ પક્ષની ચૌદશે શિવરાત્રિનું વ્રત થાય છે. જેને માસશિવરાત્રિ વ્રત કહે છે. શિવભક્ત તો દરેક વદ ચૌદશની તિથિનું વ્રત કરે છે, પરંતુ મહા માસની વદ ચૌદશની અર્ધરાત્રિમાં ‘શિવલિંગતયોદ્ભૂતઃ કોટિસૂર્ય સમપ્રભઃ ’ - ઈશાન સંહિતાના આ વચન અનુસાર જ્યોર્તિલિંગનો પ્રાદુર્ભાવ થવાથી આ પર્વ મહાશિવરાત્રિના નામથી વિખ્યાત થયું. આ વ્રત બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, સ્ત્રી અને પુરુષ તેમજ આબાલવૃદ્ધ વગેરે સઘળા કરી શકે છે.

વ્રતનું મહત્ત્વ :-
શિવપુરાણની કોટિ રુદ્રસંહિતામાં બતાવાયું છે કે શિવરાત્રિનું વ્રત કરવાથી વ્યક્તિને ભોગ અને મોક્ષ એ બંને પ્રાપ્ત થાય છે. બ્રહ્મા, વિષ્ણુ તથા પાર્વતીના પ્રશ્ન પર ભગવાન સદાશિવે બતાવ્યું કે શિવરાત્રિનું વ્રત કરવાથી મહાન પુણ્યની પ્રાપ્તિ થાય છે. મોક્ષાર્થીને મોક્ષની પ્રાપ્તિ કરાવનાર ચાર વ્રતોનું નિયમપૂર્વક પાલન કરવું જોઈએ. આ ચાર વ્રત આ પ્રમાણે છે (૧) ભગવાન શિવની પૂજા, (ર) રુદ્રમંત્રોનો જપ, (૩) શિવમંદિરમાં ઉપવાસ તથા (૪) કાશીમાં દેહત્યાગ. શિવપુરાણમાં મોક્ષના ચાર સનાતન માર્ગ બતાવાયા છે. આ ચારેયમાં પણ શિવરાત્રિ વ્રતનું મહત્ત્વ સવિશેષ છે.

ઉપવાસ અને રાત્રિ જાગરણ શાને ?
ઋષિ-મર્હિષઓએ સમસ્ત આધ્યાત્મિક અનુષ્ઠાનોમાં ઉપવાસને મહત્ત્વપૂર્ણ માન્યું છે. ગીતા (૨/૫૯)ની આ ઉક્તિ ‘વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ ’ અનુસાર ઉપવાસ એ વિષયની નિવૃત્તિનું એક અચૂક સાધન છે તેથી આધ્યાત્મિક સાધના માટે ઉપવાસ કરવો એ પરમ આવશ્યક છે. ઉપવાસની સાથે રાત્રિ જાગરણના મહત્ત્વ પર ગીતા (ર) ૬૯)નું આ કથન ખૂબ જ જાણીતું છે. ‘યા નિશા સર્વભૂતાનાં તસ્યાં જાર્ગિત સંયમી ’ આ કથનનું તાત્પર્ય એ થાય છે કે ઉપવાસ વગેરે દ્વારા ઈન્દ્રિયો અને મન પર નિયંત્રણ કરનાર સંયમી વ્યક્તિ જ રાત્રિએ જાગીને પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવાને માટે પ્રયત્નશીલ થઈ શકે છે તેથી શિવઉપાસના માટે ઉપવાસ અને રાત્રિ જાગરણ ઉપરાંત કયું અન્ય સાધન યોગ્ય હોઈ શકે છે ? રાત્રિપ્રિય શિવની સાથે મુલાકાત કરવાનો સમય રાત્રિ સિવાય અન્ય કયો હોઈ શકે છે ? આ સઘળાં કારણોને લક્ષમાં લઈ આ મહા વ્રતમાં વ્રતીજન ઉપવાસની સાથોસાથ રાત્રિના જાગરણ કરી શિવની પૂજા કરે છે.

પૂજાવિધિ :-
શિવપુરાણ અનુસાર વ્રતી પુરુષે પ્રાતઃ કાળે ઊઠીને સ્નાન - સંધ્યા વગેરે કર્મમાંથી નિવૃત્ત થઈ મસ્તક પર ભસ્મનું ત્રિપુંડ તિલક અને ગળામાં રુદ્રાક્ષમાળા ધારણ કરી શિવાલયમાં જઈ શિવલિંગનું વિધિપૂર્વક પૂજન અને શિવને નમસ્કાર કરવા જોઈએ. હાથમાં પુષ્પ, અક્ષત, જળ વગેરે લઈને સંકલ્પ કરવો જોઈએ. દિવસભર શિવમંત્રનો યથાશક્તિ જપ કરવો જોઈએ. યથાશક્તિ ફળાહાર ગ્રહણ કરી રાત્રિપૂજન કરવું એ ઉત્તમ છે.

મહાશિવરાત્રિ પર્વનો સંદેશ :-
ભગવાન શંકર અનુપમ સામંજસ્ય, અદ્ભુત સમન્વય અને ઉત્કૃષ્ટ સદ્ભાવ ધરાવે છે તેથી આ શિક્ષણનો બોધ ગ્રહણ કરીને વિશ્વકલ્યાણના મહાન કાર્યમાં જોડાઈ જવું જોઈએ. શિવ અર્ધનારીશ્વર હોવા છતાં પણ કામવિજેતા છે. ગૃહસ્થ હોવા છતાં પરમ વિરકત છે, હળાહળનું પાન કરવાના કારણે નીલકંઠ થઈને પણ વિષથી અલિપ્ત છે, રિદ્ધિ - સિદ્ધિઓના સ્વામી થઈ તેમનાથી વિલગ છે, ઉગ્ર હોવા છતાં પણ સૌમ્ય છે, અકિંચન હોવા છતાં પણ સર્વેશ્વર છે, ભયંકર વિષધર નાગ અને સૌમ્ય ચંદ્ર એ બંને તેમનાં આભૂષણ છે, મસ્તકમાં પ્રલયકાલીન અગ્નિ અને મસ્તક પર પરમ શીતળ ગંગાધારા એ તેમનો અનુપમ શૃંગાર છે. તેમને ત્યાં વૃષભ અને સિંહનો તથા મયૂર અને સર્પનો સહજ વેર ભૂલાવીને એક સાથે ક્રીડા કરવી એ સમસ્ત વિરોધી ભાવોના વિલક્ષણ સમન્વયનું એક શિક્ષણ આપે છે. તેનાથી વિશ્વને સહઅસ્તિત્વ આપવાવાળું અદ્ભુત શિક્ષણ પ્રાપ્ત થાય છે. તેમનું શિવલિંગ બ્રહ્માંડ અને નિરાકાર બ્રહ્મનું પ્રતીક હોવાના કારણે એ સૌને માટે પૂજનીય છે. જે રીતે નિરાકાર બ્રહ્મ રૃપ, રંગ, આકાર વગેરેથી રહિત હોય છે એવી જ રીતે શિવલિંગ પણ છે. જે રીતે ગણિતમાં શૂન્ય કંઈ પણ ન હોવા છતાં પણ સર્વ કંઈ હોય છે. કોઈપણ અંકની જમણી બાજુએ શૂન્ય મૂકતાં એ અંકનું મૂલ્ય દસ ઘણું થઈ જાય છે, તે રીતે જ શિવલિંગની પૂજાથી શિવ પણ અનુકૂળ બની મનુષ્યને અનંત સુખ અને સમૃદ્ધિ આપે છે.

ॐ ત્ર્યમ્બકંમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ।

ઉર્વારુકમિવ બન્ધનાન મૃત્યોર્મુક્ષીય મામૃતાત ॥


ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्।

उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्॥


#mahamrityunjaymantra #mahaShivratri2021 #mahashivratri #shiv #mahadev #MahashivRatriStatus #Bholenath #ShivStatus #statueofshiva #storyoflordshiva #Mahakal 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Popular Posts